રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોરબી રોડ પર આવેલા હડાળા ગામના રહેવાસી પ્રેમ મોવર (ઉ.વ. 18) રિક્ષા લઈને રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા દાદીના ઘરે આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતો હતો, ત્યારે અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા ઇજાગ્રસ્ત થતાં પ્રેમને આસપાસના લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ત્રણ બહેનોના એકના એક યુવાન ભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
રાજકોટ નજીક બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રસ્તે ગઈકાલે મોડી રાત્રિના સમયે અજાણ્યો યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જેને અન્ય રાહદારીઓએ 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં ડોકટરે તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા આ યુવાન મોરબી રોડ પર આવેલા હડાળા ગામનો પ્રેમ આમદભાઈ મોવર (ઉં.વ.18) હોવાનું સામે આવ્યું હતું.