રંગીલા રાજકોટીન્યસોને આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસના રોજ વધુ એક ફરવાના સ્થળની ભેટ મળનાર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત નવા રેસકોર્સ અને અટલ સરોવરને લોકો માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. સ્માર્ટ સિટી ખાતે 136 કરોડનાં ખર્ચે બનેલા અટલ સરોવરમાં હાલ બોટિંગ તેમજ રાઈડ બંધ રહેશે. તેમજ ફૂડકોર્ટ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. અટલ સરોવર અને ન્યુ રેસકોર્સનો આ નજારો માણવા મોટા વ્યકિતની પ્રવેશ ફી 25 અને બાળકોની 10 ફી લેવામાં આવશે.
અટલ સરોવરમાં શું શું જોવા મળશે
અગાઉ તા. 7 માર્ચના રોજ એટલે કે લોકસભા ચૂંટણી આચારસંહિતા પૂર્વે મુખ્યમંત્રીનાં હસ્તે અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે અમુક કામગીરીઓ બાકી હોવાથી લોકો માટે આવતીકાલ તા.1 મેથી ખુલ્લુ મુકવામાં આવનાર છે. જોકે બોટિંગ માટેની ગાઈડલાઈન હજુ આવી નથી. તેમજ વિવિધ રાઈડ્સની કામગીરીઓ પણ ચાલુ છે. જ્યારે સૌથી મુખ્ય આકર્ષણ એવી ટોય ટ્રેન પણ હજુ શરૂ થઈ શકશે નહીં. મનપા દ્વારા ફૂડકોર્ટ માટે દુકાનો બનાવી લેવામાં આવી છે. જેની હરાજીની પ્રક્રિયા ટૂંક સમયમાં કરવામાં આવનાર હોય ફૂડકોર્ટ પણ આ પછી જ શરૂ થશે. હાલ ફાઉન્ટેન અને તળાવ તેમજ નયનરમ્ય ગાર્ડન અટલ સરોવરમાં જોવા મળશે.