રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ ચેકિંગ છતાં વેપારીઓ ભેળસેળ કરવાનું બંધ કરતા નથી. રાજકોટ શહેરમાં વર્ષ 2023 કરતા 24માં અખાદ્ય ચીજ-વસ્તુમાં 50% જેટલો વધારો નોંધાયો છે. મનપાએ ગતવર્ષે 24,000 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની સામે ચાલુ વર્ષે નવેમ્બર સુધીમાં જ 36,000 કિલો જથ્થો ઝડપાયો છે. ભેળસેળ કરતા વેપારીઓ પાસેથી ગતવર્ષે રૂ. 11.80 લાખ અને ચાલુવર્ષે નવેમ્બર સુધીમાં રૂ.51.10 લાખ મળી બે વર્ષમાં કુલ રૂ. 62.90 લાખનો દંડ વસુલાયો છે. ત્યારે લોકોએ બહારની વસ્તુ આરોગતા સાવચેત રહેવું જરૂરી છે.
રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ તહેવારો પૂર્વે ખાસ ડ્રાઈવ ચલાવી અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા પ્રયાસ કરવામાં આવે છે. આ સિવાય સામાન્ય દિવસોમાં પણ ફૂડ વિભાગની ટીમો શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં આવેલા ખાણી-પીણીનાં વેપારીઓની તપાસ કરે છે. આ દરમિયાન વાસી તેમજ અખાદ્ય પદાર્થો મળી આવતા જ તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે. અમુક વસ્તુમાં સ્થળ પર ગુણવત્તા નક્કી કરવી શક્ય ન હોય ત્યાંથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ નમુનાઓનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જે-તે વેપારીઓ સામે એજ્યુડિકેશનની કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવતો હોય છે.