રાજકોટમાં SIR અંતર્ગત 23.91 લાખમાંથી 2.60 લાખ મતદારોનું મેપિંગ બાકી; 89,294 મૃત નિકળ્યા

કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં આ કામગીરી હાલ પૂર્ણ થવાના આરે છે. રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદારોમાંથી 89,294 મતદારો મૃત હોવાનું સામે આવતા તેમના નામ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ ઉપરાંત 61,240 મતદારો તેમના ઘરે હાજર ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે 1.69 લાખ મતદારો શિફ્ટ થઈ ગયા હોવાનું ખુલ્યુ છે. 16 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની છે, ત્યારે હવે ઘરે ગેરહાજર અને શિફ્ટ થયેલા 2,30,820 મતદારોને શોધી કાઢવાની કામગીરી પોલિટિકલ પાર્ટીઓના બૂથ લેવલ એજન્ટોને સોંપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી 100% પૂર્ણ રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી 100% પૂર્ણ થઈ ચૂકી છે. જે અંતર્ગત 23,91,027 મતદારો છે. 8,13,689 મતદારો છે જેઓએ પોતાને જ મેપિંગ કરેલા છે. આ મતદાર એવા છે કે જેમનો જન્મ 1987 પહેલા થયો છે અને વર્ષ 2002માં તેઓ મતદાર હતા. આ ઉપરાંત 9,87,884 મતદારો એવા છે કે જેઓએ ફેમિલી મેપિંગ કરેલું છે. રાજકોટ જિલ્લામાં હજુ પણ 2,60,514 મતદારોનું મેપિંગ બાકી છે. કુલ 20,52,450 મતદાર યાદીના ફોર્મ ડિજિટલાઇઝ થઈ ગયા છે.

રાજકોટ જિલ્લામાં 89,294 મતદારો મૃત નિકળ્યા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 89,294 મતદારો મૃત હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 61,240 મતદારો તેમના ઘરે ગેરહાજર મળી આવ્યા છે. જ્યારે 1,69,580 મતદારો અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી દરમિયાન તમામ પોલિટિકલ પાર્ટી સાથે બેઠક કરવામાં આવી છે. તમામ બુથમાં બુથ લેવલ એજન્ટો સાથે પણ બેઠકો કરવામાં આવી છે. હાલ જે મતદારો ગેરહાજર છે ઉપરાંત શિફ્ટ થઈ ગયા છે તેની યાદી પોલિટિકલ પાર્ટીના બૂથ લેવલ એજન્ટોને આપવામાં આવી છે. જેથી તમામ મતદારો પોતાને મેપ કરી લે તેવી વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *