રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર – કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 5000થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે ત્યારે ઉદ્યોગને નવી દિશા આપતી આ સમિટનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીના 10થી 12 જાન્યુઆરી વચ્ચે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટિ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમીનાર યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે. ગત શનિવારે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છના 100થી વધુ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી. આ તમામને વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવામાં આવી છે અને તેમની પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા છે. સેમિનારની સાથે એક્ઝિબિશન હશે અને રિવર્સ બાયર સેલ મીટીંગ પણ હશે. જેમાં સાઇટ ઉપર જ બાયર પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે.