રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકો ખાનગી સ્કૂલોમાં સારું શિક્ષણ મેળવી શકે તે માટે કેટેગરી વાઇઝ પ્રવેશ આપવામાં આવે છે. હાલ RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને 26 માર્ચ છેલ્લી તારીખ છે. જેમાં આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન સામે આવ્યો છે. રૂપિયા 7,000થી 8,000માં થતાં રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર માન્ય રાખવામાં આવે અને આરટીઇ હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી આજે રાજકોટમાં પ્રદેશ NSUIના પ્રમુખ સહિતના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરી હતી. જોકે, આ તકે DEO નિલેશ રાણીપા હાજર ન હોવાથી અન્ય અધિકારીને રજૂઆત કરી હતી.
રાજકોટમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલોમાં 25% બેઠક પર આર્થિક નબળા અને જરૂરિયાતમંદ વાલીઓ પોતાના સંતાનોને રાઈટ ટુ એજ્યુકેશન સ્કીમ હેઠળ ભણાવી શકે તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલું છે. ત્યારે તેમાં રજિસ્ટર્ડ ભાડા કરાર માંગવામાં આવ્યું છે. જ્યારે આ રજિસ્ટર્ડ ભાડા કરાર માટે વાલીઓને રૂ. 7,000થી રૂ. 8,000 જેટલો ખર્ચ થાય છે. ઘણા જરૂરિયાતમંદ વાલીઓ કે જેમની પાસે ખર્ચ કરવા માટે આટલા પૈસા હોતા નથી અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં એપોઈન્ટમેન્ટ પણ તરત મળતી નથી.