તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલ એર શો જેવો જ એર શો રાજકોટમાં યોજાવવા જઈ રહ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આગામી 7 ડિસેમ્બરના રોજ ભવ્ય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા કરવામાં આવતા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રાજકોટના આકાશમાં ભવ્ય એર શો માટે મંજૂરી આપવામાં આવતા મનપા તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરથી ઉડાન ભરી વિમાનો રાજકોટ પહોંચી રાજકોટના આકાશમાં ફ્લાય પાસ્ટ તેમજ અન્ય કરતબો પ્રદર્શિત કરશે.
સૂર્યકિરણ ટીમના વિમાનો રાજકોટના આકાશમાં કરતબો રજૂ કરશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમના વિમાનો રાજકોટના આકાશમાં પોતાના સશક્ત કરતબો રજૂ કરશે. આ વિમાનો સૂર્યકિરણ ટીમના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ ડાયમંડ, ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ, અને વાય જેવા દિલધડક સ્ટંટ દર્શકો નિહાળી શકશે.
સૂર્યકિરણ એરોબેટિક ટીમના પાયલટ્સ 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરશે. જેમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેનાના 9 હોક વિમાનો રાજકોટના આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવી બાળકો તેમજ યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા પુરી પાડશે.