દેશમાં આઇપીએલનો રંગ જામ્યો છે અને આઇપીએલ પૂર્ણતાના આરે છે ત્યારે રાજકોટમાં 7મી જૂનથી મિનિ આઇપીએલ જેવો માહોલ સર્જાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રો ટી-ટ્વેન્ટી લીગ ટૂર્નામેન્ટનું નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે.
7મી જૂનથી 20 જૂન સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ અને સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, sptl સૌરાષ્ટ્ર અને કચ્છના ખેલાડીઓને એક ઉત્તમ પ્લેટફોર્મ અને એક્સપોઝર આપશે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોના નામ આ મુજબ છે, જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, દિતા ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ સ્ટ્રાઇકર્સ નામ સાથે ઝંપલાવશે.
તા.27 મેને મંગળવારે ખેલાડીઓનું ડ્રાફ્ટિંગ થશે, પાંચેય ટીમમાં સંતુલન જળવાઇ રહે તે માટે તમામ ખેલાડીઓમાંથી ડ્રાફ્ટ સિસ્ટમ યોજાશે અને તે કારણે જ ઓક્શન રાખવામાં આવ્યું નથી. અરિવા સ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડને સૌરાષ્ટ્ર પ્રો ટી-ટ્વેન્ટી લીગના વિશિષ્ટ સંચાલન અધિકારો સોંપાયા છે. આ ઉપરાંત આકાશ ચોપરા, મોન્ટી પાનેસર, એસ.શ્રીસંથ, ચેતન શર્મા સહિતના ખ્યાતનામ ખેલાડીઓ કોમેન્ટરી કરશે. ટૂર્નામેન્ટના ઓપનિંગમાં બોલિવૂડના કલાકારના લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. મેચમાં ડીજે મ્યુઝિક, ચિયર લીડર સહિતના આકર્ષણો રહેશે, આ લીગ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે પ્રોત્સાહક બની રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.