રાજકોટની સોની બજારના વેપારીઓ ફરી એક વખત પરપ્રાંતીયની જાળમાં ફસાઈ જતા પૈસા ગુમાવવાનો સમય આવ્યો છે. રોકડા નાણા આપી લાંબા સમય સુધી પ્યોર સોનુ લઈ ગયા બાદ ભરોસો કેળવી વિશ્વાસઘાત કરતો શખસ સામે આવ્યો છે. 4 સોની વેપારી પાસેથી 42.64 લાખની કિંમતનું સોનુ ખરીદ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ જતા શખસ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી, પોલીસે વેપારીઓનું લાખો રૂપિયાનું સોનું ઓળવી જતા શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
અવાર-નવાર રોકડા પૈસા આપી 24 કેરેટનું સોનુ લઈ જાય શહેરના દિવાનપરા શેરી નંબર-1માં સહજાનંદ વિલા મકાનમાં રહેતા અને સોનીબજારમાં સવજીભાઈની શેરીમા આવેલ સુવર્ણ મંદીર કોમ્પલેક્ષમાં દુકાન નં.16માં ભકિત ગોલ્ડ દુકાન ધરાવતા પ્યૉર સોનુ લે-વેચ કરતા વેપારી દેવેન્દ્રભાઈ રાધનપુરએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૂળ રાજસ્થાનના અને શહેરના પેલેસ રોડ ઉપર આકાર પેલેસ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ઓમદત્ત જાંગીડને છેલ્લા 7 વર્ષથી ઓળખું છું અને તે અવાર-નવાર રોકડા પૈસા આપી 24 કેરેટનું સોનુ લઈ જાય છે.
131 ગ્રામ 24 કેરેટ સોનું લઈ જઈ પૈસા ન ચૂકવ્યા ગત તા.3 ઓક્ટોબરના રોજ ઓમદતને 46 ગ્રામ 24 કેરેટ પ્યૉર સોનુ આપ્યું હતું અને ત્યારબાદ તેણે મને જણાવ્યું કે, આ સોનાના પૈસા હું તમને બેંક મારફત આપીશ. જે બાદ ગત તા.9 ઓક્ટોબરના 45 ગ્રામ સોનુ આપ્યુ હતુ અને તેમના પૈસા પણ બેંકથી આપશે એવુ જણાવ્યુ હતુ. જે પછી તા.12 ઓક્ટોબરના 40 ગ્રામ સોનુ આપ્યુ હતું. આમ આ ઓમદતને અલગ-અલગ તારીખે કુલ 131 ગ્રામ 24 કેરેટ સોનું જેની કુલ કિ. 6.37 લાખ થાય તે અમીએ આ ઓમદતને આપ્યુ હતું. ઓમમદતે આ તમામ સોનાના પૈસા બેંક મારફત આપવાની વાત કરી હતી. જે બાદ તેને અવાર નવાર ફોન કરતા ફોન ઉપાડ્યો નહોતો તેમજ તેમના દિકરાએ પણ ફોન ઉપાડ્યો ન હતો અને તે પછી આ બન્નેએ ફોન બંધ કરી દીધા હતા.