તા. 7 સપ્ટેમ્બરે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા યોજાશે. જેમાં રાજકોટ શહેરમાં 37 કેન્દ્રો પરથી 8054 ઉમેદવારો એક્ઝામ આપશે. બપોરે 11થી 1 વાગ્યા દરમિયાન લેવાનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓની એન્ટ્રી એક કલાક પહેલા શરૂ કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવેલા છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પરીક્ષા અંગે એડિશનલ કલેક્ટર એ. કે. ગૌતમે જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા 7 સપ્ટેમ્બરના રવિવારે યોજાવાની છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામા 37 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. જ્યાં સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર – 1નો સમય સવારે 11થી 1 વાગ્યાનો છે. જેમાં 8054 ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા આપશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા પરીક્ષાને લઇને પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 7 સપ્ટેમ્બરે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો (શાળા-કોલેજો) નજીકના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્સ-કોપીયર મશીન ચાલુ રાખી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં વાહનો લાવી કે લઈ જઈ શકાશે નહીં, ચાર વ્યક્તિઓએ ભેગા થવું નહીં.