રાજકોટમાં 31stની પાર્ટીઓને ટક્કર આપે એવી હનુમાન ચાલીસા યુવા કથા

રાજકોટ શહેરમાં સતત બીજા વર્ષે રેસકોર્સ મેદાનમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજરોજ બપોરે 2 વાગ્યે હાથી, ઘોડા અને વિન્ટેજ કાર સાથે નીકળનારી ભવ્ય પોથીયાત્રાથી શરૂ થશે અને 2 જાન્યુઆરી 2026 સુધી સાળંગપુરધામના સ્વામી હરિપ્રકાશદાસજીના મુખારવિંદથી કથાનું રસપાન કરાવશે.

150 જેટલા યુવા યજમાનો દ્વારા આયોજિત આ કથા દરેક રાજકોટવાસીને યજમાન બનાવવાના ભાવ સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરાવવાના શુભ આશયથી યોજાઈ રહી છે, જ્યાં એકસાથે 50 હજાર લોકો કથા શ્રવણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશ આખું 31st ડિસેમ્બરના રોજ ન્યુયર પાર્ટીનું સેલિબ્રેશન કરશે જયારે આ સમયે રાજકોટના હજારો યુવાનો હનુમાન કથામાં દાદાના જન્મના વધામણાં કરી હનુમાન ચાલીસાના પાઠ કરશે.

આજરોજ બપોરે 2 વાગ્યે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અતિ ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથીયાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કાર, નાસિક ઢોલ,અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન, થાર જીપ અને બુલેટ સવારોનું આકર્ષણ રહેશે. આ સાથે નાસિકના ઢોલ-નગારા અને ભારતીય સાંસ્કૃતિક નૃત્યોની ઝલક પણ જામશે. ખાસ હાથીની અંબાડી પોથીયાત્રાની શોભા વધારશે.

આ ઉપરાંત 551 બહેનો મસ્તક પર રામચરિતમાનસની પોથી લઇ યાત્રામાં જોડાશે. આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ મેદાનથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, ઈમ્પિરિયલ હોટલ થઈને, જિલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ પામશે. ડી.જે. અને બેન્ડવાજાના તાલે “જય શ્રી રામ”, “જય હનુમાન”, “જય બજરંગબલી”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *