ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહન ચાલકોએ દંડની ભરપાઈ કરી નથી.
જેમાં અમુક વાહનચાલકો તો એવા છે કે જેઓને એક જ વાહન નંબર પર 80 જેટલા ઈ મેમો નોટિસ સ્વરૂપે મોકલવામાં આવેલા છે. જેથી આવા વાહન ચાલકો સામે રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી હોય તેમ તેઓના લાયસન્સ રદ કરવા માટેનો પત્ર આરટીઓ કચેરીને લખ્યો છે.
રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ RTOમાં રજીસ્ટર થયેલા 300થી વધુ વાહન ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરી વાયોલેશન ઉભુ કરી રહ્યા છે. જેથી RTOએ તેઓને વાહન ચલાવવા માટેનું જે લાયસન્સ આપ્યું છે તે રદ કરી દેવું જોઈએ. વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને નિયમ મુજબ વાહન ચલાવતા આવડતું નથી જેથી તેનું લાઇસન્સ રદ જ કરી દેવું જોઈએ. આ બાબતે આરટીઓ કચેરીને પત્ર લખવામાં આવ્યો છે જેથી તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.