રાજકોટમાં 25 કિમીની યાત્રામાં માનવમહેરામણ ઉમટ્યું, અપૂર્વમુનિએ કહ્યું- ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી થાય છે

રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો પર 1000થી વધુ બાઇક અને વિન્ટેજ કારના કાફલા સાથે નીકળેલી 25 કિમી લાંબી ‘સ્વામિનારાયણ સંદેશ યાત્રા’એ આકર્ષણ જમાવ્યું હતું. આ ભવ્ય સંદેશ યાત્રા દ્વારા વ્યસનમુક્તિ, ભ્રષ્ટાચાર નાબૂદી અને સામાજિક એકતાનો પ્રબળ સંદેશ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે BAPS સ્વામિનારાયણ મંદિરનાં મહંત અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું હતું કે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી થાય છે.

કેસરીયા સાફા અને જય સ્વામિનારાયણના નાદથી ગુંજ્યું રાજકોટ આજે બપોરે 4:30 વાગ્યે રેસકોર્સનાં બલભાવન ખાતેથી આતશબાજીના ગડગડાટ સાથે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ કેસરીયા સાફા અને પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને જોડાયા હતા. 1000થી વધુ બાઇકો અને આકર્ષક વિન્ટેજ કારનો કાફલો જ્યારે શહેરના માર્ગો પરથી પસાર થયો, ત્યારે વાતાવરણ ‘જય સ્વામિનારાયણ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના મહંતો અને સેંકડો સંતોએ પણ આ સંદેશ યાત્રામાં જોડાઈને હરિભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. શહેરનાં રસ્તાઓ પર ભગવાન સ્વામિનારાયણના ભક્તિ ગીતોની સુરાવલીઓ વચ્ચે આ યાત્રાએ શહેરના મુખ્ય ચોકો પર ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *