રાજકોટના વોર્ડ 3નાં અનેક વિસ્તારોમાં શનિવારને 17 જાન્યુઆરીએ પાણીકાપ મુકવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શનિવારે રેલનગર હેડવર્કસ ખાતે હાથ ધરવામાં આવનાર ટેકનિકલ કામગીરી અને જાળવણીના ભાગરૂપે પાણીકાપ લાદવામાં આવ્યો છે. આ કામગીરીને લઈને વોર્ડ નંબર 3 (પાર્ટ)નાં જુદા-જુદા 30 જેટલા વિસ્તારમાં પાણી વિતરણ કરી શકાશે નહીં, જેને કારણે આ વોર્ડમાં રહેતા હજારો લોકો તરસ્યા રહેશે.
સંપ સફાઈ અને પાઈપ રિપેરિંગની કામગીરીને લઈ નિર્ણય વોટર વર્ક્સ વિભાગના જણાવ્યા મુજબ, સેન્ટ્રલ ઝોન હસ્તકના રેલનગર હેડવર્કસમાં નવા બનાવવામાં આવેલા GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર)ને જૂના GSR સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જોડાણની કામગીરી અત્યંત જરૂરી હોવાથી પમ્પિંગ સ્ટેશન ઉપર શટડાઉન લેવાની ફરજ પડી છે. સાથે આ સમયગાળા દરમિયાન સંપ સફાઈની કામગીરી તેમજ સંપની અંદર આવેલી પાઈપલાઈનના રિપેરિંગનું કામ પણ સાથે પૂર્ણ કરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક મરામત અને જોડાણની કામગીરીને કારણે તારીખ 17 જાન્યુઆરીના રોજ રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં. 03 (પાર્ટ) ના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાએ વિસ્તારોના રહિશોને અપીલ કરી છે કે તેઓ પાણીના કાપને ધ્યાને રાખીને અગાઉથી પાણીનો જરૂરી સંગ્રહ કરી લે, જેથી દૈનિક કાર્યોમાં કોઈ મુશ્કેલી પડે નહીં. સમારકામની આ કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી નિર્ધારિત સમય મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. જોકે શહેરના આ વિસ્તારોમાં હજારો પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે જાહેર કરવામાં આવેલા શટડાઉનને લઈને હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.