રાજયભરમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત મતદારયાદીમાં નવા નામ નોંધાવવા, આધાર લીંકઅપ, સરનામામાં ફેરફાર માટે ત્રણ દિવસ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર-જિલ્લામાં ત્રણ દિવસની આ ખાસ ઝુંબેશ દરમિયાન મતદારયાદીમાં નવા નામ નોંધાવવા માટે 15,113 અરજીઓ મતદારોએ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેર જિલ્લાના તમામ 2254 મતદાન મથકો (બુથો) પર ગત તા. 17, 23 અને 24 એમ ત્રણ દિવસ બુથ લેવલ ઓફિસર બીએલઓએ ફરજ બજાવી નવા મતદારોની નોંધણી, આધાર લીંકઅપ, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા, અને સરનામામાં ફેરફાર કરવા માટેના અરજી ફોર્મ સ્વીકારેલ હતા.
તા. 1 જાન્યુઆરી 2025ની લાયકાતની તારીખ 18 વર્ષ પૂરા થતા હોય તેવા યુવા મતદારોની મતદારયાદીમાં નોંધણી માટેના અરજી ફોર્મ સ્વીકારવામાં આવેલ હતા. રાજકોટ શહેર-જિલ્લામાં ત્રણ દિવસ ચલાવાયેલ આ ખાસ ઝુંબેશ દરમિયાન મતદારયાદીમાં નવા નામની નોંધણી, આધાર લીંકઅપ અને સરનામામાં સુધારા-વધારા માટેની કુલ 41,754 જેટલી અરજીઓ મળી હતી. જેમાં આધારકાર્ડ લીંકઅપ માટે 910, મતદારયાદીમાંથી નામ કમી કરાવવાની 4245 અને સરનામામાં સુધારા-વધારા માટેની 21,486 અરજીઓ મળી હતી.