ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાઈ હતી. બપોરના 12થી 2 વાગ્યા સુધી ચાલેલી આ પરીક્ષામાં રાજકોટમાં 14190 ઉમેદવાર સહિત રાજ્યમાં 1.01 લાખ ઉમેદવાર નોંધાયા હતા.
શિક્ષક બનવા માટેની પરીક્ષામાં ગણિતના પ્રશ્નો પ્રમાણમાં અઘરા પૂછાતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા.
આ ઉપરાંત કેટલાક પ્રશ્નો મહત્ત્વના ને ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતાનું મૂલ્યાંકન કરનારા હતા જેમાં પૂછયું હતું કે, બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષાનું નિયંત્રણ થવું જરૂરી છે, તેના માટે શેના ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. શિક્ષકે બાળકોના ચિંતનશક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ.
બે વર્ષ બાદ લેવામાં આવેલી આ પરીક્ષામાં 30 મિનિટ જેટલો સમય વધારી 120 મિનિટ અપાઈ હતી, તેમ છતાં કેટલાક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ખૂટ્યો હતો. જોકે કોઈ પણ વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. 150 માર્કના પેપરમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યા નહોતા.
આ પરીક્ષામાં ઉચ્ચ ગુણથી પાસ થયેલા ઉમેદવારોને ધોરણ 1થી 5ના શિક્ષક તરીકે પસંદગી કરાશે. રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલી મુરલીધર વિદ્યાલયમાં 200 ઉમેદવારને 11:30 બાદ એન્ટ્રી આપવામાં આવી હતી, જેને લીધે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રીનો સમય 11:00 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો, પરંતુ ઉમેદવારોને 11:30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવી ન હતી. ઉમેદવારોને લાંબો સમય સુધી પરીક્ષા કેન્દ્રની બહાર બેસી રહેવું પડ્યું હતું. TET-1ની પરીક્ષા તો યોજાઈ રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.