સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે કે, આંગણે આવેલા વ્યક્તિને જો ઘરમાં ભોજનની કોઈ વ્યવસ્થા ન હોય તો પીવાના પાણી માટે તો પૂછવામાં આવે જ. અગાઉ શહેર અને ગામડાંમાં અમુક કિલોમીટરના અંતરે પાણીના પરબ બંધાવવામાં આવતા હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આવા પરબો નષ્ટ કરી દેવાયા અને પીવાના પાણીનું સ્થાન પ્લાસ્ટિકના પાઉચ અને પ્લાસ્ટિકની બોટલોએ લઈ લીધું છે. લોકોને તરસ લાગે એટલે પ્લાસ્ટિકની બોટલમાં વેચાતા મળતા પાણીથી તરસ છીપાવી પડે છે. હવે રાજકોટમાં અેક નવો જ પ્રયોગ શરૂ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવાનું લક્ષ્ય ધરાવતા સદ્ભાવના ટ્રસ્ટે શહેરમાં 101 સ્થળે પરબ મુકવાની એટલે કે, કૂલર મુકવાની શરૂઆત કરી છે. લોકોને ઠંડું અને ફિલ્ટર થયેલું પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ માટેની શરૂઆત થઈ ચૂકી છે અને કોટેચા ચોક સહિત 11 સ્થળે પાણીના કૂલર મૂકી પણ દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં 101 સ્થળે કૂલર મુકવાનો લક્ષ્યાંક છે.
આ અંગે વધુમાં માહિતી આપતા સદ્ભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત નિર્ણય ટ્રસ્ટી મંડળની બેઠકમાં લેવાયા બાદ દાતાઓને આર્થિક સહયોગ માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે પાંચાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ પાંચાણીએ સૌથી મોટું 45 લાખ રૂપિયાનું યોગદાન જાહેર કર્યું હતું. આ આખાયે પ્રોજેક્ટ માટે કુલ 90 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. એટલે 101 કૂલરના 50 ટકા રકમ એકલા પાંચાણી ફાઉન્ડેશને આપવાની જાહેરાત કરી છે. બાકીની જે 50 ટકા રકમ દાતાઓ પાસેથી મળવાની આશા છે તેમાં અત્યાર સુધીમાં 32ના સ્પોન્સર મળી ગયા છે. હવે 70ના સ્પોન્સર મેળવવાના બાકી છે. જે કોઈ વ્યક્તિ આર્થિક સહયોગ આપવામાં માગતી હોય તેઓએ કૂલર દીઠ માત્ર રૂ.45 હજાર રૂપિયા આપવાના રહેશે. કારણ કે, 101 કૂલર માટે 50 ટકા રકમ પાંચાણી ફાઉન્ડેશને આપી દીધી છે.