રાજકોટમાં 10 વર્ષની બાળકી અને યુવાન સહિત 5ના હાર્ટએટેકથી મોત

શહેરમાં હૃદય બંધ પડી જવાથી 10 વર્ષની બાળકી સહિત પાંચના મૃત્યુ થયા છે. હાર્ટએટેકથી વૃદ્ધ અને પ્રૌઢના મૃત્યુ બાદ હવે યુવાન વયના અને બાળકોના મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મવડીની માટેલ સોસાયટી-6માં રહેતાં મનોજભાઈ દાનાભાઈ સબાડ અને રંજનબેન મનોજભાઈ સબાડની દીકરી માહી (ઉ.વ.10) ગઇકાલે ઘરે રમતી હતી ત્યારે એક ઊલટી થયા પછી તરત તે બેભાન જેવી થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. તબીબે મૃત્યુ પાછળનું હાર્ટએટેક આવી ગયાનું તારણ આપ્યું હતું. માહી મવડીમાં આવેલી એસ.કે.પી. સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી હતી.

બીજા બનાવમાં જૂના એરપોર્ટ રોડ પર ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતાં નૈમિષભાઇ પંકજભાઈ શાહ (ઉ.વ.34)નું વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. નૈમિષભાઇને હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. નૈમિષભાઈ ગવરીદળ પાસે આઇઓસીમાં ઓફિસર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.

ત્રીજા બનાવમાં મોરબી રોડ સીતારામ પાર્કમાં રહેતાં રસિકભાઈ નરશીભાઇ ઢેઢી-પટેલ (ઉ.વ.47) રાતે એકાદ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. હૃદયરોગનો હુમલો આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું.

ચોથા બનાવમાં રૈયાધાર ભરવાડવાસ શેરી નં.4માં રહેતાં બાવજીભાઈ ગોવિંદભાઇ કાતિયા (ઉ.વ.49)ને ઘરે છાતીમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું.

પાંચમાં બનાવમાં, મવડી પ્લોટ વિનાયકનગર-15માં રહેતા મીનાબેન કિશોરભાઈ રાઠોડ(ઉં.વ.43) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. પરિવારે હાર્ટએટેક આવી ગયાનું જાહેર કર્યું હતું. મૃત્યુ પામનાર મીનાબેન આરએમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં.

છઠ્ઠા બનાવમાં મવડી પ્રજાપતિ સોસાયટી પાસે ઓમનગરમાં રહેતાં અશોકભાઇ લાલજીભાઇ પાડલિયા (ઉ.વ.55)નું 29મીએ ઘરે બાથરૂમમાં પડી જતાં મૂઢ ઇજા થતાં બેભાન જેવા થઈ જવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *