25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટા કહી શકાય એવા બે પ્રોજેક્ટ એઇમ્સ અને ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અન્ય કેટલાક વિકાસ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના લોકાર્પણની સાથે સાથે રૂ. 6 કરોડથી વધુના ખર્ચે મૂકાયેલા અદ્યતન જી.ઈ. વિપ્રો 128 સ્લાઈસ સિટી સ્કેન મશીનનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. જોકે ઇનોગ્રેશનનાં બીજા જ દિવસે શરૂ થવું જોઈતું સિટી સ્કેન મશીન 10 દિવસ બંધ રહ્યું હતું. જેમાં રેડિએશન સહિતનાં પ્રશ્નોને કારણે મોડું થયું હોવાનો બચાવ કરતા સિવિલ અધિક્ષકે હવે 24 કલાક માત્ર રૂ. 1000માં સિટીસ્કેન ચાલુ રહેવાની ખાતરી આપી છે. જ્યારે ખાનગી લેબમાં સિટી સ્કેનમાં 3થી 4 હજાર ખર્ચ થાય છે.
વડાપ્રધાન દ્વારા સિટીસ્કેન મશીનનું લોકાર્પણ થયાની જાણ થતાં બીજા જ દિવસથી અનેક દર્દીઓ આવવા લાગ્યા હતા. જોકે દર્દીઓ સિટી સ્કેન માટે પીએમએસએસવાય બિલ્ડિંગમાં પહોંચે ત્યારે સિટી સ્કેન મશીન હજુ શરૂ ન થયું હોવાનું જાણવા મળતા નાછૂટકે ખાનગી ડાયગ્નોસિસ સેન્ટરમાં વધુ રૂપિયા આપીને રિપોર્ટ કરાવવાની ફરજ પડતી હતી. છેલ્લા 10-10 દિવસથી રાહત દરે સિટી સ્કેન થવાની આશાએ આવતા દર્દીઓને ધરમનો ધક્કો થતો હતો. જોકે અંતે ગઈકાલ સાંજથી સિટી સ્કેન મશીન શરૂ થઈ જતા દર્દીઓને થોડી રાહત મળી છે.