સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધતી ગુનાખોરી પર કાબૂ મેળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે 1 માર્ચ 2026ના રોજ રાજકોટ ખાતે રાજ્યસ્તરની ડીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાનારી છે. રાજ્યના પોલીસવડા ડો.કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્રભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના આઈજી, વિવિધ જિલ્લાઓના એસપી સહિતના અધિકારીઓ ભાગ લેશે. પોલીસ કમિશનર કચેરી દ્વારા કોન્ફરન્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બેઠકમાં જિલ્લાવાર ગુનાખોરીના આંકડાની સમીક્ષા, પેન્ડિંગ કેસોની સ્થિતિ, નશીલા પદાર્થોના જાળાને તોડવા માટેની વ્યૂહરચના તથા સંગઠિત ગુનાખોરી સામે કડક એક્શન લેવા અંગે ચર્ચા થશે. આગામી દિવસોમાં તહેવારો અને સંવેદનશીલ પ્રસંગોને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કોન્ફરન્સ બાદ જિલ્લાવાર જવાબદારી નક્કી કરી ચોક્કસ સમયમર્યાદામાં પરિણામ આપવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે.
સૌરાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે આ બેઠકને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પોલીસતંત્ર દ્વારા ક્રાઈમ કંટ્રોલ માટે નવી દિશા નક્કી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.