રાજકોટમાં હર્ષોલ્લાસ સાથે દુંદાળા દેવને વિદાય

રાજકોટમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને મનપા સજ્જ છે. રાજકોટમાં પોલીસના 1500, ફાયરનાં 80 જવાનોની દેખરેખમાં લોકો દુંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા 108ની ટીમો પણ સતત ખડેપગે જોવા મળી રહી છે. રાજકોટમાં તંત્ર દ્વારા જુદા-જુદા 8 સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દરમિયાન માત્ર ફાયરના જવાનો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના ન બને તે માટે લોકોને પાણી સુધી જવા દેવામાં આવતા નથી. તેમજ મોટી મૂર્તિ માટે ખાસ ક્રેન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈપણ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસના 1500 જવાનો તહેનાત રાખવામાં આવ્યા છે. તેમજ ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

આ તકે ગણપતિ વિસર્જન માટે આવેલા પેડક રોડનાં પંકજ મોરાણિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસ દરમિયાન અમારા નિવાસ સ્થાને દાદાનું સ્થાપન કર્યું હતું. આ દિવસો દરમિયાન ધૂન, ભજન, પૂજા, આરતી અને સત્યનારાયણ કથા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. દુંદાળા દેવના આગમનથી અમારું જીવન સ્વર્ગ બની ગયું હતું. પરંતુ આજે તેમની વિદાય થતા દુઃખની લાગણી છે. ઘરમાંથી કોઈ સ્વજન જતું હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આવતા વર્ષે ગણપતિ બાપા ફરી અમારે ત્યાં પધારશે અને આવો જ આનંદ કરાવશે તેવો વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *