રાજકોટમાં સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોનું અપમાન

દેશભરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટનાં ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં પ્રાંત અધિકારી ચાંદની પરમારની આગેવાનીમાં શહેર કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનોને સન્માન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બેઠક મામલે સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોનું અપમાન થયું હોવાનું સામે આવ્યું છે. સ્વાતંત્ર્ય સેનાના પરિજન અને મામલતદારે પણ આ બનાવની પુષ્ટિ કરી હતી. અને બેઠક વ્યવસ્થા મામલે થોડી બોલાચાલી બાદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું.

સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનો આગળ બેસી ગયા હતા- મામલતદાર રાજકોટ પશ્ચિમનાં મામલતદાર અજીત જોશીએ જણાવ્યું હતું કે, 10 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા અને તેમની સાથે 25થી 30 પરિવારજનો આવ્યા હતા. જેથી તમામને કહેવામાં આવ્યું હતું કે છે સ્વતંત્ર સેનાનીઓ છે તે પ્રથમ હરોળમાં બેસે અને બાકીના પરિવારજનો પાછળની ખુરશીઓમાં બેસે. જોકે તે વખતે આગળની હરોળની અમુક ખુરશી ખાલી હતી જેથી સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોએ એવું વિચાર્યું કે આગળ બેસી જઈએ. જેથી તેઓ આગળ બેસી ગયા હતાં.

પરંતુ સ્વતંત્ર સેનાનીઓની સાથે વહીવટી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો આગળની હરોળમાં બેસવાના બાકી હતા, જેથી મામલતદારે તેમને કહ્યું કે મહાનુભાવો આવશે ત્યારે તમને ઉભા કરી પાછળ બેસાડવા તે યોગ્ય નથી એટલે તમે પાછળની ખુરશીઓમાં બેસી જાવ. આ બાબતે જ તેઓને ખોટું લાગ્યું હતુ. જોકે બાદમાં સમજાવવામાં આવતા તેઓ સમજી ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટર ચાંદનીબેન પરમાર પણ આ પરિવારજનોને મળ્યા હતા અને બાદમાં મામલો પૂર્ણ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *