રાજકોટમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2024નાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી હતી. સ્વચ્છ સર્વેક્ષણ -2024 અંતર્ગત રાજકોટમાં હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરી, વોર્ડથી માંડી સ્વચ્છતા ચેમ્પિયન મેન-વુમન કેટેગરીમાં સ્વચ્છતા રેકીંગના વિજેતાઓ આજે જાહેર કરવામાં આવ્યા હતા. મેયર, કમિશ્નર સહિતના તંત્ર વાહકોની હાજરીમાં આજે તમામને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે નવનિર્મિત કરેલી ઝનાના હોસ્પિટલ અન્ય ટોચની ખાનગી હોસ્પિટલ કરતા સ્વચ્છતામાં આગળ નીકળી છે. તો સ્કૂલમાં પ્રથમ નંબરે રાજકુમાર કોલેજ સિવાય બીજા અને ત્રીજા ક્રમે શિક્ષણ સમિતિની શાળાઓ આવી છે. સ્વચ્છ સરકારી કચેરીમાં આયકર ભવન પ્રથમ નંબરે છે તો વોર્ડ નં.8 પ્રથમ ક્રમે આવ્યો છે. આ વખતે સ્વચ્છતા ચેમ્પિયન કેટેગરી શરૂ કરાતા કોર્પોરેટરોમાં મેયર નયનાબેન પેઢડીયાએ સ્વચ્છતાની બાબતોમાં લીધેલા અંગત રસ, રાત્રી સફાઇના મોનીટરીંગ, સાપ્તાહિક સફાઇ ઝુંબેશના કાર્યક્રમને ધ્યાને લેતા તેઓને આ કેટેગરીનો એવોર્ડ આજે કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.