આજે વિશ્વ કપાસ દિવસ છે, ત્યારે આ વર્ષની થીમ છે Cotton for Good. રાજકોટમાં આ વર્ષે સૌથી વધુ ગોંડલ તાલુકામાં 28,981 હેક્ટરમાં વાવેતર થયુ છે. સંકર કપાસની જાત એ ગુજરાતની વિશ્વને દેન છે. કપાસ માત્ર ખેતીપાક જ નથી, પણ માનવજીવન, અર્થ વ્યવસ્થા અને પ્રકૃતિ સાથે જોડાયેલું મહત્ત્વનું તત્ત્વ છે. કપાસ એવો રોકડીયો પાક છે જેનો નાળીયેરની જેમ સંપૂર્ણ ઉપયોગ થાય છે. કપાસ તેના ત્રણ એફ માટે જાણીતો છે. એક કપાસના ફૂલમાંથી ફાઈબર રેસા મળે છે, જેમાંથી કાપડ બને છે. બીજું કપાસીયા બીજમાંથી તેલ નીકળે છે અને પશુઓ માટે ખોળ બને છે. ત્રીજું કપાસની ડાળીઓ બળતણ માટે અને ભુસું બાયોકોલ માટે ઉપયોગી છે. આથી જ કપાસને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે.
આફ્રિકા ખંડના સહારા રણ વિસ્તારના અવિકસિત ચાર દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને ‘કપાસના ચાર દેશોનું જૂથ’ (Cotton Four Countries) તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથે વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization) સમક્ષ દર વર્ષની ‘7 ઓક્ટોબર’ને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે મુજબ, વિશ્વ વ્યાપાર સંગઠને 2019થી સાતમી ઓક્ટોબરે પ્રથમ વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરી હતી. જો કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ‘કપાસના ચાર દેશોના જૂથ’ના પ્રસ્તાવને 30 ઓગસ્ટ 2021ના રોજ મંજૂરી આપી હતી. એ પછી 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકેની યુ.એન.ની માન્યતા મળી હતી.