ભારતમાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા જેવા સંશોધનો મર્યાદિત હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા પવન અને સૂર્ય ઉર્જાનો સારી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ તેનુ અમલીકરણ શરૂ કરી દીધું છે. સૂર્ય ઉર્જા અન્વયે રાજકોટમાં ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યો છે. જે અંતર્ગત જિલ્લાની 585માંથી 30 ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જતા વીજળીનું બિલ ઝીરો આવી રહ્યુ છે. અહીં ગ્રામ પંચાયત દીઠ મહિને 3 હજાર તો વર્ષે રૂ. 36 હજારની બચત થઈ રહી છે. 30 ગ્રામ પંચાયતો મળીને મહિને 90 હજારની બચત કરતા સરકારી તિજોરી ઉપરનું ભારણ ઘટયું છે.
પવન ઉર્જા, સૌ૨ ઉર્જા જેવી કુદરતી ઉર્જાનાં ઉપયોગ થકી પર્યાવરણના જતનની સાથે ગ્રામ પંચાયતનાં સ્વભંડોળમાં પણ બચત થાય તે હેતુથી રાજકોટ જિલ્લામાં ગુજરાત સરકારની સૂર્ય ઉર્જા યોજના અન્વયે જિલ્લા કલેકટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેની આગવી પહેલ હેઠળ જિલ્લા પંચાયત હેઠળ આવતી કુલ 585 ગ્રામ પંચાયત ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાંથી 30 ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ લાગી ગયા છે. જેથી, ત્યાં વીજળીનું બીલ ઝીરો આવી રહ્યું છે. એક ગ્રામ પંચાયત દીઠ વર્ષે 36 હજારની વીજબિલની બચત થતાં રાજ્ય સરકાર પરનું ભારણ પણ ઘટી રહ્યુ છે.