રાજકોટમાં રહેતા એક સોની પરિવારે સામુહિત આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફ્લેટની લોનના હપ્તા ન ભરી શકતા માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પી સામુહિત આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા નિવેદન નોંધી જરૂરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માતા-પિતા અને પુત્રએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાધા રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર રહેતા સોની પરિવારે ગઈકાલે મોડી રાત્રિના 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે એક સાથે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પછી ધીમે ધીમે ઝેરની અસર શરૂ થતા તેમને ત્રણેયને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ઈમરજન્સી વિભાગમાં સારવાર ચાલી રહી છે અને હાલ તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓ અગરબત્તીનો વેપાર કરે છે અને તેઓ જે ફ્લેટમાં રહે છે તેના ઉપર બેંક લોન ચાલી રહી છે. આ લોન પેટે રૂપિયા 7500નો માસિક હપ્તો આવતો હતો. અચાનક ધંધામાં મંદી આવતા ફ્લેટની લોનના છ હપ્તા ભરી શક્યા નહોતા. જેથી આર્થિક ભીંસ આવી પડી હતી. આ ચિંતામાં પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.