રાજકોટમાં સોનાના ભાવમાં 1 દી’માં 10 ગ્રામમાં રૂ.2600 અને ચાંદીમાં કિલોએ 3650નો ઉછાળો

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 4023 ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા સ્થાનિક બુલિયન બજારમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે. સોનાના ભાવમાં એક દિવસમાં રૂ.2600 અને ચાંદીમાં કિલોએ રૂ.3650નો ઝડપી ઉછાળો નોંધાયો છે અને બન્ને કિંમતી ધાતુઓ નવી ઐતિહાસિક ટોચ પર પહોંચી છે.

રાજકોટની સોની બજારમાં બુધવારે સોનાના ભાવ નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. સોના 24 કેરેટ 10 ગ્રામનો ભાવ મંગળવારે રૂ.1,24,300 હતો જે બુધવારે રૂ.2600 વધીને રૂ.1,26,800 થયો છે. તેવી જ રીતે સોનાના 22 કેરેટનો ભાવ મંગળવારે રૂ.1,14,000 હતો જે રૂ.2600 વધીને બુધવારે રૂ.1,16,600 થઇ ગયો છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં ઝડપી રૂ.3650નો ઉછાળો નોંધાયો છે. મંગળવારે ચાંદી ચોરસાનો ભાવ પ્રતિ કિલો રૂ.1,51,550 હતો જે બુધવારે વધીને રૂ.1,55,200 થઇ ગયો છે. ચાંદીના ભાવમાં છેલ્લા આઠ દિવસમાં પ્રતિ કિલો રૂ.13000 વધ્યા છે. બુલિયન બજારમાં તેજી પાછળ અમેરિકામાં શટડાઉન, આર્થિક અસ્થિરતા, ફ્રાન્સમાં રાજકીય કટોકટી, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ, મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની જંગી ખરીદી સહિતના કારણો જવાબદાર ગણાવાય રહ્યા છે.

સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2400ની લગોલગ દિવાળીના તહેવાર ટાંકણે જ ખાદ્યતેલોમાં તેજીનો પવન ફૂંકાતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ વેરવિખેર થઇ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ બે દિવસમાં રૂ.40 વધીને રૂ.2400ની લગોલગ પહોંચી ગયો છે. બજારના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સિંગતેલના ડબ્બાના ભાવમાં છેલ્લા 24 કલાકમાં રૂ.20 વધીને રૂ.2340-2390 થઇ ગયા છે. તેવી જ રીતે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂ.20 વધીને રૂ.2240-2290 થઇ ગયા છે અને પામોલીન તેલના ભાવમાં ડબ્બે રૂ.40 વધીને રૂ.2085-2090ના ભાવે વેપાર થયો હતો. કોર્ન ઓઇલના ભાવમાં પણ ડબ્બે રૂ.10 વધ્યા છે. બે દિવસમાં સિંગતેલ ઉપરાંત કપાસિયા તેલમાં રૂ.35 અને પામોલીનમાં રૂ.50 વધ્યા છે. રાજકોટ યાર્ડમાં મંગળવારે 4200 ક્વિન્ટલની આવક થઇ છે જ્યારે બુધવારે યાર્ડમાં મગફળીની આવક થઇ નથી. તેવી જ રીતે મંગળવારે કપાસ બી.ટી.ની 1700 ક્વિન્ટલની આવક થઇ હતી અને બુધવારે 2800 ક્વિન્ટલની આવક થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *