સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જ બૂટલેગરો સક્રિય થઈ ગયા છે, ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ સતર્ક બની કાર્યવાહી કરી રહી છે. આજે ક્રાઇમ બ્રાન્ચે દેશી અને વિદેશી દારૂના બે અલગ-અલગ કેસ દાખલ કર્યા છે. જેમાં રાજકોટ-મોરબી હાઈવે પરથી ફ્લેવરવાળો દેશી દારૂ બનાવતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક કેસમાં 798 નંગ વિદેશી દારૂની બોટલો સાથે સ્કોર્પિયો કારના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બંને કેસમાં કુલ ચાર ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ-મોરબી હાઈવે પર રતનપર ગામ ખાતે રામ મંદિરની પાછળ આવેલા એક મકાનમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડો પાડતા સ્થળ પર અલગ-અલગ ફ્લેવરવાળા દેશી દારૂના પાઉચ બનાવીને પેકિંગ કરતા માનસીંગ રીબડીયા અને રવિ મંડલ નામના બે શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. પોલીસ પૂછપરછમાં તેમની સાથે આ ગુનામાં અન્ય બે આરોપીઓ કેવલ ઉર્ફે કાનો અને પરેશ સનુરા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 552 લિટર દેશી દારૂ, બે પાઉચ સીલિંગ મશીન, પાઉચ બનાવવાના 14 રોલ, વાસણો, મોબાઈલ, રિક્ષા અને અન્ય વાહન મળી કુલ 3.24 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા કિસ્સામાં, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોક પાસે દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર પસાર થવાની હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને GJ.03.PJ.0077 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારને અટકાવવામાં આવી હતી. કારના ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ સોહીલ પલેજા જણાવ્યું હતું. પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની કુલ 798 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો કાર મળી કુલ 19.23 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સોહીલ પલેજાની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ કરતા, તેણે આ દારૂના જથ્થામાં અન્ય બે આરોપીઓ ડેનિશ પરમાર અને દારૂનો જથ્થો ભરી આપનાર લાલો નામના શખ્સની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી, જેમની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે.