શહેરમાં ઠંડીનો માહોલ તો જામ્યો છે, પરંતુ સાથે સાથે બપોર સુધીમાં મહત્તમ તાપમાન પણ વધી જતા લોકોને તાપનો પણ અનુભવ થઇ રહ્યો છે. રાજકોટમાં રવિવારે સવારે 8:30 વાગ્યે તાપમાન 17.4 ડિગ્રી સાથે હળવો પવન અને 80% ભેજ રહેતાં શિયાળાનો અહેસાસ થયો હતો, પરંતુ માત્ર છ કલાક બાદ જ સ્થિતિ બદલાઈ ગઈ. બપોરે 2:30 વાગ્યે તાપમાન 32.4 ડિગ્રી પહોંચી ગયું, ભેજ 26% સુધી ઘટી ગયો અને લોકોને તાપ લાગ્યો. પવનની ગતિ પણ 10 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી જે ગરમીમાં વધારો કરતી જણાઈ હતી.
રાજકોટ શહેરમાં રવિવારે લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું હતું. સાંજે 5:30 વાગ્યે તાપમાન થોડું ઓછું થઈ 29.4 ડિગ્રી નોંધાયું, હવામાન વિભાગ મુજબ આકસ્મિક તાબડતોબ ગરમીનું મુખ્ય કારણ ઉત્તર-પૂર્વ પવન અને હવામાનના દબાણમાં બદલાવ હોવાનું માહિતગાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે.