રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનાં હુમલાના બનાવો વધ્યા છે. રાત્રે અનેક રસ્તાઓ પર શ્વાનો હોવાથી લોકોને ભય સાથે પસાર થવું પડે છે. આ જોખમ સામે લાંબા ગાળાના પગલા ભરી શકાય તે માટે સરકારની સૂચનાથી રાજકોટ મનપા દ્વારા ફરી શહેરમાં રખડતા શ્વાનોનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રાજકોટમાં 2015ની સાલમાં આવો સર્વે થયો હતો. 8 વર્ષ બાદ ફરી શ્વાનોનો સર્વે કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અંદાજે ત્રણેક મહિના ચાલનાર આ સર્વે માટે અંદાજે રૂ. 5 લાખનો ખર્ચ થવાની શક્યતા છે.
ડોગ બાઇટિંગના કેસોમાં વધારો
મનપાનાં વેટરનરી ઓફિસર બી. આર. જાકાસણીયાનાં જણાવ્યા મુજબ, રાજકોટ સહિત રાજ્યના જુદા-જુદા શહેરોમાં છેલ્લા મહિનાઓમાં ડોગ બાઇટિંગના કેસોમાં વધારો થયો છે. મહાનગરોમાં શ્વાનો કરડવાથી અનેક લોકો હોસ્પિટલના ખાટલે પહોંચ્યાની ઘટનાઓ પણ બની છે. રાજકોટમાં બાળકોને શ્વાન કરડી જવાની ઘટનાઓના પગલે જંગલેશ્વર સહિતના વિસ્તારમાં તો શ્વાન પકડવા ખાસ ડ્રાઇવ ચલાવવી પડી હતી. જોકે, શ્વાનોને પકડી, ખસીકરણ કરી જે તે વિસ્તારમાં ફરી છોડી મૂકવા માટે નિયમ હોવાથી શ્વાનોનો શહેર બહાર નીકાલ થઇ શકતો નથી. આથી આ સમસ્યાનું કોઇ કાયમી સમાધાન નથી.
સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરમાં રખડતા શ્વાનોનો સર્વે કરવામાં આવનાર છે. જેનાથી મેલ, ફિમેલ અને બચ્ચા સહિત કુલ કેટલા શ્વાનો છે, તે જાણી શકાશે. તે મુજબ રસીકરણ તેમજ ખસીકરણની કામગીરી કરવામાં મોટી મદદ મળશે. આ સર્વે માટે સરકાર માન્ય એજન્સીને કામ સોંપવામાં આવશે. જેના દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શ્વાનોની ગણતરી કરવામાં આવશે. આ માટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. છેલ્લે થયેલા સર્વેમાં રાજકોટમાં 32 હજાર જેટલા શ્વાન હોવાનું સામે આવ્યું હતું. જોકે, નવા પાંચ વિસ્તાર રાજકોટમાં ભળ્યા હોવાથી સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.