રાજકોટ સહિત દેશભરમાં દિવાળીનાં તહેવારો નજીક છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને શુદ્ધ અને ભેળસેળમુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શુદ્ધ ઘીમાં પણ ભેળસેળ થતી હોવાની આશંકાએ આજે ચેકિંગમાં મુખ્યત્વે ઘીના વિક્રેતાઓને લક્ષ્યમાં રાખીને તેમના એકમોની તપાસ કરવામાં આવી હતી, જ્યાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 15 ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જૂના મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા 22 ધંધાર્થીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
લૂઝ અને પેકેજ્ડ બંને પ્રકારના ઘીના કુલ 15 નમૂના એકત્રિત કર્યા હતા ફૂડ વિભાગે તહેવારો દરમિયાન ઘીમાં થતી સંભવિત ભેળસેળને અટકાવવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લૂઝ અને પેકેજ્ડ બંને પ્રકારના ઘીના કુલ 15 નમૂના એકત્રિત કર્યા હતા. જેમાં 9 લુઝ ઘીનાં અને 6 પેકેજડ ઘીનાં નમૂનાઓ સામેલ છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથક્કરણ અને ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો વેપારીઓ સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ઝુંબેશમાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના જૂના મોરબી રોડ વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશમાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. સર્વેલન્સ દરમિયાન ખાદ્યચીજોના કુલ 22 નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક ધોરણે ગુણવત્તાનું પ્રાથમિક મૂલ્યાંકન થઈ શકે છે. દરમિયાન કુલ 10 ધંધાર્થીઓ પાસે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જરૂરી લાઇસન્સ ન હોવાનું જણાતા, તેમને તાત્કાલિક ધોરણે લાઇસન્સ મેળવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાનું પાલન ન કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.