રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીને લઈને રોગચાળો વકરી રહ્યો છે અને સતત આઠમાં સપ્તાહે મનપાનાં ચોપડે ટાઇફોઇડ- કમળાનાં દર્દીઓ સામે આવ્યા છે. જેમાં જોખમી કમળાનાં 3 અને ટાઈફોઈડ તાવનાં 4 દર્દીઓ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટી તેમજ સામાન્ય તાવ અને શરદી-ઉધરસનાં મળી કુલ 1,449 કેસ છેલ્લા સપ્તાહમાં નોંધાયા છે, જેને પગલે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ક્લોરીનેશન વધારવા તેમજ પીવાનું અને ગટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ઝાડા-ઊલટીનાં 167 તો સામાન્ય તાવનાં 663 કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહે 1,629 કેસ સામે ચાલુ સપ્તાહે 1,449 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઊધરસનાં 612 કેસ, ઝાડા-ઊલટીનાં 167, સામાન્ય તાવનાં 663 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત આઠમાં સપ્તાહે જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 4 કેસ અને કમળાનાં પણ વધુ 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો અને ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે, આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 7,500 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.