મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે આપવામાં આવતી દેશની સૌથી મહત્વની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું પેપર લીક થતા ચોમેર ફરીથી પરીક્ષા લેવા માટેની ચાલતી હિલચાલ વચ્ચે રાજકોટમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આજે (23 જૂન) સવારે બહુમાળી ભવન ખાતે આવા વિધાર્થીઓ અને વાલીઓએ એકત્ર થઈ NO RE-NEETનાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.
આ તકે વાલી ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં NEET પરીક્ષાને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે. પરંતુ સામેના પક્ષમાં જે વિદ્યાર્થીઓએ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે, એનો અવાજ સાંભળવાની જરૂર છે. જેમણે ક્યાય ગેરરીતિ નથી કરી તો એમને સજા કેમ? શા માટે Re NEET તેમને આપવાની? વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક જ સવાલ કે, અમને અન્યાય ન થવો જોઈએ. સરકાર NTA અને ન્યાય પાલિકા ઉપર પુરો ભરોસો છે કે તેઓ કોઈ પણ એવો નિર્ણય નહીં લે જેથી સિસ્ટમ પરથી વાલીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓનો ભરોસો ઊઠી જાય.