રાજકોટમાં વિકાસના દાવાની પોલ ખુલી

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલા હંસાબેન મોવૈયા આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.

અધિકારીઓએ 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હોવા છતાં, આજદિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડની બિસ્માર હાલતને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક બાળકો સાયકલ પરથી પડી જવાની ઘટનાઓ પણ બની છે. જો અમે નિયમિત મકાન વેરો અને અન્ય ટેક્સ ભરતા હોય, તો તેમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો આગામી દિવસોમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સોસાયટીની શેરીઓ બંધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

રાજકોટ શહેરમાં સિટિબસ ચાલકો બેફામ હંકારતા હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં 80 ફૂટ રોડ પર સિટી બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સ્પીડમાં જતી બસે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. શેઠ હાઈસ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં સિટી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિકોમાં સિટી બસના ડ્રાઈવરોની મનસ્વી ગતિ અને બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *