રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ શહેરમાં રહેતી 16 વર્ષની સગીરાને પાડોશી શખસે લલચાવી અપહરણ કરી ભગાડી ગયા બાદ બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી સગીરાને મુક્ત કરાવી આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતી 16 વર્ષની દીકરીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 8 જૂન 2024ના સાંજના 4 વાગ્યાના આસપાસ તેઓ ઘરે હતા. તે દરમિયાન તેમની દીકરી તેની માતાને જણાવ્યું કે, હું મારી મિત્રના જન્મ દિવસની પાર્ટી છે જેથી હું તેના ઘરે જાવ છું અને રાત્રિના 9 વાગ્યે આવી જઈશ તેમ કહીં ઘરેથી નિકળી હતી. બાદ રાત્રિના 9 વાગ્યા છતાં દીકરી ઘરે પરત નહી આવતા તેણીને ફોન કરતા ફોન બંધ આવતો હતો.
બાદમાં સગા સબંધીઓ દ્વારા તપાસ કરતાં કોઈ જાણ મળી ન હતી. જેથી તેની સાથે અભ્યાસ કરતી તેની મિત્રને ઘરે જઇ પૂછતાં જણાવ્યું કે મને તમારી દીકરીએ એકાદ મહિના પહેલાં વાત કરી કે, અમારા પાડોશમાં રહેતા રોહિત ઉર્ફે રોહન સાથે મિત્રતા છે. તેમ વાત કરતા પાડોશમાં રહેતા રોહિત ઉર્ફે રોહનના ઘરે જઈ તેના પિતાને પૂછતા તેઓએ જણાવ્યું કે, રોહિત બપોરથી ઘરે નથી આવ્યો અને તેનો ફોન પણ બંધ છે. જેથી દીકરીને રોહન લલચાવી ફોસલાવી ભગાડી જતાની જાણ થતા ફરીયાદ નોંધાવી હતી.