રાજકોટ સહિત રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જિલ્લા તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. રાજકોટ સહિત ગુજરાતમાં તા.7મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફની બુથ ઉપર અવરજવર માટે એસટીની બસો માંગવામાં આવી છે. જેમાં રાજકોટ એસટી ડિવિઝનની 94 સહિત રાજ્યની 2,000 જેટલી બસો ફાળવવામાં આવશે.
ગુજરાતમાં આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણીમાં ફરજ બજાવનાર સ્ટાફને બુથ સુધી મુકવા અને ત્યાંથી લેવા માટે બે હજાર જેટલી એસટી બસો રોકી લેવામાં આવનાર છે. આ બસો મારફતે ચૂંટણી ફરજનો સ્ટાફ બુથ સુધી જશે અને ત્યાંથી પરત આવશે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રએ આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણી ફરજના કર્મચારીઓની અવર જવર માટે એસટી તંત્ર પાસે 94 બસો ફાળવવાની માંગણી મુકી છે. જેથી 2 દિવસ એસટી બસોની ફ્રિક્વન્સી ઓછી થશે.