રાજકોટમાં લીંબુના કિલોના રૂ.200, ગરમી કરતા ભાવનો હીટવેવ આકરો

ઉનાળાના પ્રારંભે જ હીટવેવ સાથે કાળઝાળ ગરમી શરૂ થતા બજારમાં લીંબુની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી માસમાં 350થી 800 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાતા લીંબુના ભાવમાં એક જ મહિનામાં રૂપિયા 1000થી 1800 રૂપિયા સુધીનો મણે વધારો થયો છે. બીજીતરફ યાર્ડમાં લીંબુની આવક સરેરાશ 3500 મણથી વધુ હોવા છતાં સ્થાનિક શાકમાર્કેટમાં લીંબુ પ્રતિ કિલોના ભાવ 180થી 200ની સપાટી વટાવી ગયા છે.

માર્ચ માસના પ્રારંભે કાળઝાળ ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિમાં છેલ્લા ચાર દિવસથી હીટવેવની સ્થિતિ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને આંબી જતા રાજકોટમાં લીંબુના ભાવમાં આક્રમક ઉછાળો આવ્યો છે. રાજકોટ યાર્ડમાં હાલમાં સરેરાશ દૈનિક 3500 મણ લીંબુની આવક સામે લીંબુના ઉંચા ભાવ ગુરુવારે 2602 રૂપિયા અને નીચામાં 1322 રૂપિયાના ભાવે પ્રતિ મણ વેચાયા હતા.

માર્કેટિંગ યાર્ડમાં 66થી 67 રૂપિયાથી લઈ 130થી 131 રૂપિયે મળતા લીંબુ લોકલ શાકમાર્કેટ સુધી પહોંચતા જ બમણા કે તેથી વધુ ભાવે વેચાણ થઇ રહ્યું હોવાથી ગૃહિણીઓ અને શરબત, રસનો વ્યાપાર કરતા ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો છે. યાર્ડમાં લીંબુની સાથે જ ગુવાર, ચોળા, ટીંડોળા, આદુ, મરચાં, લીલું લસણ અને સરગવાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. જોકે હજુ પણ આકરી ગરમી પડતા લીંબુના ભાવ હજુ વધે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *