રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી ખેતમજૂરી કરતા ભાગીયા મજૂરોને પણ વળતર મળે, તે અંગે રાજકોટમાં રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી પરિવાર મજૂર સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં મજૂરો બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ તાત્કાલિક વળતર જાહેર કરવાની માંગ કરી હતી.
કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોને નુકસાની થઈ આ અંગે આદિવાસી પરિવાર મજૂર સંઘના હોદ્દેદાર ઉત્તમ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા સમાજના લોકો જે મજૂરી કામે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાંથી અહીં આવતા હોય છે. હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોને નુકસાની થઈ, એ નુકસાનીની અંદર સરકારે જે વળતર ખેડૂતોને આપ્યું છે, તેની અંદર ભાગીયા તરીકે અમારા સમાજના ભાઈઓ ખેતમજૂરીનું કામ કરતા હોય, તેમને તેમનો ભાગ મળ્યો નથી. સરકારે જે કોઈ ખાતેદાર હોય એને આપ્યું છે, પણ અમારા ભાઈઓને તેનો ભાગ મળ્યો નથી. તો ખરેખર મહેનત તો આ લોકો કરે છે, તો હકદાર તો આ લોકો પણ છે. એટલે જે કોઈ જિલ્લાઓમાં અમારા ભાઈઓ જે મજૂરી કામ કરે છે, તેમને આ વળતર આપવા માટે કલેક્ટરને રજુઆત કરી છે.
ભાગીયા તરીકે હજી સુધી વળતર મળતું નથી આદિવાસી પરિવાર મજૂર સંઘના અન્ય એક પ્રતિનિધિ દિનેશ મીનામાએ જણાવ્યું હતું કે, અહીં આદિવાસી જે મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના લોકો આવે છે, તો અહીં તેમને ભાગીયા તરીકે હજી સુધી વળતર મળતું નથી. રાજ્યમાં આશરે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા અપાયું છે. ખેડૂતોનાં જે ભાગીયા છે, સૌથી વધારે મહેનત કરે છે, અન્નદાતા કહેવાય છે. અનાજ ઉગાડે છે, બધું કરીને તેમને આપી દે છે, પરંતુ તેમને આજ સુધી વળતર મળ્યું નથી. તેમજ શૌચાલય અને શિક્ષણ સહિત અનેક મુદ્દાઓ છે, જેને લઈને રજુઆત કરી છે. જો અહીં અમારી વાત નહીં સાંભળવામાં આવે, તો અમે અહીંથી પગપાળા ગાંધીનગર જઈશું. જો ત્યાં પણ અમારી માંગણીઓ નહીં સાંભળવામાં આવે, તો અમે આમરણ ઉપવાસ પર બેસીશું.