રાજકોટમાં રહેતી યુવતીએ જામનગર રહેતા મંગેતર સાથે સગાઈ તોડી નાખતા તે બેફામ બન્યો હતો અને યુવતી તેમજ તેના માસીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગાઈ બાદ યુવક યુવતીને ફરવા લઈ ગયો હતો. જ્યાં કહ્યું હતું કે, પિતાને કેન્સર હોવાથી મજબૂરીમાં લગ્ન કરી રહ્યો છે. જેથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી અને એકબીજાની વસ્તુઓ પરત લેવાયા બાદ યુવકે માર મારતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડીલોની સંમતિથી સગાઈ તોડવાનું નક્કી કરવામાં આવ્યું સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય યુવતીએ જામનગરમાં સ્વામીનારાયણનગરમાં રહેતા દિવ્યેશ સવજીયાણી વિરુદ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખાનગી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. તેમની સગાઈ ગઈ તા. 22 ના રોજ જામનગરના દિવ્યેશ સાથે થઈ હતી. સગાઈ બાદ હરવા-ફરવા દ્વારકા અને સુરત ગયા હતાં. દરમિયાન દિવ્યેશે જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર હોવાથી તે મજબૂરીમાં આ લગ્ન કરી રહ્યો છે. આ વાતની જાણ યુવતીએ પોતાના પરિવારને કરતા, વડીલોની સંમતિથી સગાઈ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સગાઈ તોડવા બાબતે યુવતીને બિભત્સ ગાળો આપી સગાઈ તૂટતા બંને પક્ષોએ એકબીજાની વસ્તુઓ પરત કરવાનું નક્કી કર્યું હતું. આ અંતર્ગત 22 માર્ચ 2026ના રોજ સાંજે 6.30 વાગ્યે યુવતી અને તેમના માસી યુનિવર્સિટી રોડ પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ શિલ્પન ઓનેકસ નજીક પામ યુનિવર્સ ખાતે વસ્તુઓ પરત કરવા ગયા ત્યાં આરોપી દિવ્યેશ અને તેનો પરિવાર હાજર હતો. વસ્તુઓની આપ-લે પૂર્ણ થયા બાદ દિવ્યેશે સગાઈ તોડવા બાબતે યુવતીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
જાનથી મારી નાખવાની ધમકી આપી જ્યારે યુવતીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા દિવ્યેશે તેમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝઘડા દરમિયાન યુવતીને બચાવવા તેમના માસી વચ્ચે પડતા દિવ્યેશે તેમને પણ ઈજા પહોંચાડી હતી. હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી દિવ્યેશને શાંત પાડી બહાર મોકલ્યો હતો પરંતુ જતી વખતે તેણે યુવતી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.