રાજકોટમાં રમતાં-રમતાં 4 વર્ષના બાળકે નાકમાં મોતી નાખી દેતાં શ્વાસ રૂંધાવા લાગ્યો

નાના બાળકો રમતા-રમતા ક્યારેક એવું કરી બેસે છે કે, ઘણીવખત જીવ જોખમમાં મુકાઈ જાય છે. ત્યારે રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 4 વર્ષનાં બાળકે રમતા-રમતા મોતી પોતાનાં નાકમાં નાખી દીધું હતું, જેને કારણે બાળકનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. બાળકની આ સ્થિતિ જોઈને માતા-પિતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નિષ્ણાંત ડૉક્ટરે માત્ર 13 સેકન્ડમાં જ મોતી બહાર કાઢી લેતા બાળકનો જીવ બચ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં રહેતા એક બાળકે રમત રમતમાં સીસોટીનું મોતી નાકમાં નાખ્યું હતું. થોડીવારમાં જ બાળકનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તેમજ તે રડતો-રડતો માતા પાસે પહોંચ્યો હતો. આ અંગેની જાણ થતાં માતાએ પરિવારને વાત કરી નાકમાંથી મોતી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાં સફળતા ન મળતા તરત જ બાળકને શહેરનાં વિદ્યાનગર રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટર દ્વારા તરત દૂરબીનથી તપાસ કરીને માત્ર 13 સેકન્ડમાં બાળકનાં નાકમાંથી મોતી બહાર કાઢી લેવામાં આવ્યું હતું. બાદમાં થોડી મિનિટોમાં બાળક સ્વસ્થ થતા પરિવારે ડૉક્ટરનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *