રાજકોટ મહાપાલિકા દ્વારા તા. 27થી 31 ઓકટોબર સુધી રેસકોર્સ રીંગ રોડ પર રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 29 ઓક્ટોબરનાં રોજ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંદાજે 500 જેટલા કલાકારોએ વિવિધ રંગોળી બનાવી હતી. જેમાંથી નારી તુ નારાયણી અને ગરબા સહિતની રંગોળી કરનારા 80 કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને તેઓને હજારોના ઇનામો મનપા દ્વારા આપવામાં આવશે. જોકે, સ્પર્ધામાં સ્વ.રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતી રંગોળીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મેયર નયનાબેન પેઢડીયાનાં જણાવ્યા મુજબ રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને તા.29-10ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જે અન્વયે રંગોળી સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ આકર્ષક રંગોળી બનાવીને વિજેતા થયેલા તમામ સ્પર્ધકોને મહાનગરપાલિકાના આગામી કાર્યક્રમ દરમ્યાન રોકડ પુરસ્કાર આપવામાં આવશે.