રાજકોટમાં મિશ્રઋતુના કારણે રોગચાળો વકર્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પખવાડિયામાં ડેંગ્યુનાં 3, કમળાનાં 4 સહિત વિવિધ રોગનાં 1,709 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો પાણીજન્ય રોગચાળો અટકાવવા ક્લોરીનેશન સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
વિવિધ રોગોનાં 1,709 કેસ, દર્દીનો કુલ આંકડો 8,500 કરતા પણ વધુ પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,709 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 804 કેસ, ઝાડા-ઉલટીનાં 167 જેટલા કેસ, સામાન્ય તાવનાં 730 કેસ નોંધાયા હતાં. અને જોખમી ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાનાં પણ વધુ 4 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 3 કેસ, સામે આવ્યા હતાં. જોકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 8,500 કરતા પણ વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
કમળો અને ટાઇફોઇડનાં છૂટાછવાયા કેસ મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. ઉપરાંત જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. ખાસ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં કમળો અને ટાઇફોઇડનાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.