રાજકોટ શહેરમાં ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદની ભારે રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે પણ તે મુજબ વરસાદ વરસ્યો નથી. છેલ્લા 3 દિવસ તો કોરા નીકળ્યા છે. સોમવારે સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા પણ મોડી રાત્રી સુધીમાં માત્ર ઝાપટું જ પડ્યું હતું.
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયું વાતાવરણ છે અને ભેજનું પ્રમાણ વધ્યું છે પણ વરસાદ ન પડવાને કારણે શહેરીજનો અસહ્ય બફારાથી ત્રાસી ગયા છે. સાત દિવસ પહેલાં પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું પણ ત્યારબાદ વરસાદ ન આવતા મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચકાઈ ગયું છે. તેવામાં બપોર સમયે થોડો પણ તડકો નીકળતા લોકો અકળામણ અનુભવી રહ્યા છે. સોમવારે સાંજે ઘટાટોપ વાદળો છવાયા હતા અને રાત પડતાં જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જે ફક્ત ઝાપટું જ બન્યો હતો. હવામાન વિભાગ હજુ પણ ચાલુ સપ્તાહે વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યું છે.