રાજકોટમાં વધુ એક મહિલા તબીબને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આલાપ એવન્યુ સોસાયટીમાં રહેતા અને ખાનગી હોસ્પિટલ ધરાવતા મહિલા તબીબે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ફાલ્ગુનકુમાર, સાસુ મંજુલાબેન, સસરા કાંતિલાલ, દીયર અભિષેક સહિતનાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપવા તેમજ જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી સાત વર્ષ પૂર્વે કાંતિલાલના દીકરા ફાલ્ગુન સાથે તેમના લગ્ન થયા હતા. બાદમાં પતિ સાથે સંયુક્ત કુટુંબમાં તેઓ રહેતા હતા. ત્રણ માસ બાદ હું મારા પિતાના ઘરે જવાની વાત કરતા મારા પતિ તથા સાસુ-સસરા મને જવા દેવા ન માગતા હોય તે બાબતે ઝઘડો કરતા. હું પતિ સાથે જામનગર રહેવા ગયેલ. આ પછી પતિને સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા તે દરમિયાન સાસુના પતિ ઉપર ફોન આવતા અને દર અઠવાડિયે શનિ અને રવિવારના રોજ મોરબી આવી જવાનું કહેતા હતા, પરંતુ મારા પતિ જવા માગતા ન હોય જેથી મારી સાથે ફોનમાં ઝઘડો કર્યો હતો.