રાજકોટમાં મહિલાએ કપડાની દુકાનમાં માનેલા ભાઈને ભાગીદાર બનાવ્યો, રૂપિયાની લેતીદેતીમાં ભાઈએ જ બેરહેમીથી ફટકારી

રાજકોટના અમીન માર્ગ પર આવેલા વેલ્યુ ફેશન સ્ટુડિયોની સંચાલિકાએ માનેલા ભાઈને ધંધામાં ભાગીદાર બનાવ્યો હતો. ત્યારે ભાગીદારીના રૂપિયા મામલે બેશરમ ભાઈએ બહેન પર જ ત્રાટકી ચાર સેકન્ડમાં આઠ ફડાકા ઝીંકી દીધા હતા અને બેફામ માર માર્યા બાદ ગાળો ભાંડી હતી. જે સમગ્ર ઘટનાના ઓડિયો સાથે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બેફામ મારથી પીડાઈ સંચાલિકા હીબકે ચડી ગઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હાલ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના અમીન માર્ગ પર બંસી પાર્ક સોસાયટીમાં રહેતાં ખ્યાતીબેન જયંતીભાઈ સુરેજાએ નોંધેવાલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચીરાગ જગદીશ ચંદારાણાનું નામ આપતાં માલવિયાનગર પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અમીન માર્ગ મેઇન રોડ પર વેલ્યુ ફેશન સ્ટુડિયો નામની કપડાની દુકાન ધરાવી વેપાર કરે છે. દુકાનમાં તેમના ભાગીદાર ચીરાગ ચંદારાણા છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી વેપાર ધંધો કરે છે.

ગત તારીખ 19 ઓગસ્ટ 2024ના મહિલા દુકાનમાં હાજર હતી. ત્યારે ચિરાગ ચંદારાણા સવારે દુકાને આવ્યો અને કહેવા લાગ્યો કે, તારે 2 લાખ રૂપિયા આપવાના છે. જેથી મહિલાએ કહ્યું કે હું તમને ચેકથી પૈસા આપું છું. આમ કહેતાં ચિરાગ કહેવા લાગ્યો હતો કે, મારે ચેકથી પૈસા નથી જોતા. તું મને અત્યારે જ રોકડા પૈસા આપ બાદમાં તેને પૈસા આપ્યા નહીં જેથી તે ગાળો બોલવા લાગ્યો અને ફડાકા મારીને જતો રહ્યો હતો. બાદમાં મહિલા, ચિરાગ તેમજ માનેલા ભાઈ ગોપાલ દેપાણી, કિશન દેપાણી દુકાને ખર્ચા બાબતે એકબીજા સાથે વાતચીત કરતા હતા, ત્યારે ચિરાગે ફરીવાર ત્રણ ચાર ફડાકા મારી દીધા અને કહ્યું કે, તું મને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *