રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, માલવીયાનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે એક આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપી ATM મશીનમાં છેડછાડ કરીને અને ગ્રાહકોના ATM કાર્ડ બદલીને ચોરી તથા છેતરપિંડી કરતો હતો. પોલીસે આ આરોપીની ધરપકડ કરીને ચોરી અને છેતરપિંડીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
કેવી રીતે પકડાયો આરોપી?પોલીસ સ્ક્વોડના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને એક સંયુક્ત બાતમી મળી હતી. બાતમી અનુસાર બેંકોના ATM મશીનમાંથી રોકડા રૂ.ની ચોરી કરનાર એક વ્યક્તિ હાલ નાનામવા મેઈન રોડ પર સિલ્વર હાઈટ્સ સામે HDFC બેંકના ATM પાસે શંકાસ્પદ રીતે આંટાફેરા કરતો હતો. તેણે બ્લુ ચેક્સ વાળો શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરેલો હતો. પોલીસે તુરંત જ તે સ્થળે પહોંચીને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી.
શરૂઆતમાં તેણે પોલીસને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જોકે, યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો. તેણે જણાવ્યું કે લગભગ 15 દિવસ પહેલા સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ મવડી રોડ ઉપર આવેલા ઈન્દ્રપ્રસ્થ હોલ પાસે ઉજીવન સ્મોલ ફાયનાન્સ બેંકના ATMમાં ગયો હતો. ત્યાં તેણે ATM મશીનના જ્યાંથી પૈસા નીકળે છે તે ભાગમાં એક પ્લાસ્ટિકની પટ્ટી લગાવી દીધી હતી અને બહાર આવી ગયો હતો. બાદમાં એક મહિલા ATMમાંથી પૈસા ઉપાડવા આવી હતી, પરંતુ પટ્ટીને કારણે પૈસા બહાર નીકળ્યા નહોતા અને તે ત્યાંથી જતી રહી હતી. મહિલાના ગયા બાદ તેણે પટ્ટી હટાવીને રૂ.1500ની ચોરી કરી હતી. આ મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.