રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય તેમ એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે. આ સિવાય મલેરિયા અને ચિકનગુનિયાનો પણ એક-એક કેસ નોંધાયો છે.રાજકોટ શહેરમાં 25 તારીખથી ભારે વરસાદ શરૂ થયો છે તે પહેલાંના દિવસોમાં વરસાદની અછત હતી અને જ્યારે વરસાદ પડે ત્યારે ઝાપટું પડીને બાદમાં બે ત્રણ દિવસ ઉઘાડ રહેતો હતો. આવી સ્થિતિ ડેન્ગ્યુના મચ્છરના બ્રીડિંગ માટે આદર્શ માનવામાં આવે છે.
આ સ્થિતિને કારણે 25 તારીખ પહેલાના બે સપ્તાહમાં મચ્છરજન્ય રોગનો ભારે ત્રાસ રહ્યો છે. તા.19થી 25 દરમિયાન ડેન્ગ્યુના 19 કેસ આવ્યા છે અને ઘણા સમયથી સુષુપ્ત રહેતા ચિકનગુનિયાનો પણ એક કેસ આવ્યો છે. હાલ ભારે વરસાદ પડતો હોવાથી મચ્છર ઈંડાં મૂકી શકે તેવી સ્થિતિ નથી અને જો ઈંડાં મૂકે તો પણ વરસાદમાં ધોવાઈ જાય તેમ છે.