રાજકોટમાં ગુરુવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં કુલ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 12 મીમી, ઇસ્ટ ઝોનમાં 11 મીમી અને વેસ્ટ ઝોનમાં 14 મીમી વરસાદ પડ્યો હોવાનું મ્યુનિસિપલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
માત્ર અડધો ઇંચ વરસાદથી જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકોને હાલાકી વેઠવી પડી હતી. ખાસ કરીને ઓફિસ અને ધંધાથી ઘેર જતા લોકોને પલળીને જવું પડ્યું હતું. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે ટ્રાફિક ધીમો પડી ગયો હતો. શહેરમાં નવલનગર અને સંત કબીર રોડ એમ બે સ્થળે ઝાડ પણ ભારે પવનને કારણે પડી ગયા હતા.
હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે લોકો તકલીફમાં મુકાયા હોવા છતાં ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી. રાજકોટના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. અચાનક આવેલા આ વરસાદે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સર્જાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ, એટલે કે 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.