રાજકોટમાં 11 મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ. કારણ કે, રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી થવા જઈ રહી છે.
BCCI દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચ રમાવાની છે. વન ડે મેચની સીરિઝની શરૂઆત 13 ડિસેમ્બર 2026ના દિલ્હી ખાતેથી કરવામાં આવશે અને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં વન ડે સીરિઝની ત્રીજી અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યાર બાદ ટી-20 સીરિઝની પ્રથમ મેચ આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 6 ટી-20 અને 5 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વનડે મેચની સીરિઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી.