રાજકોટમાં ભાગીદારી છૂટી કરવાના મુદ્દે યુવક પર તેના બનેવી સહિત બેનો હુમલો

લોધિકાના વડવાજડીમાં રહેતા યુવકને હોટેલની ભાગીદારી છૂટી કરવાના મુદ્દે ચાલતી તકરારમાં તેના બનેવી સહિત બે શખ્સે હિસાબ કરી જવાનું કહી મેટોડા બોલાવી બંને શખ્સોએ છરી પાઇપથી હુમલો કર્યો હતો અને યુવકના બાઇક પર પાઇપના ઘા ઝીંકી બાઇક તોડી નાખ્યું હતું. ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વડવાજડીની સનરાઇઝ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ શિવુભા રાઠોડ (ઉ.વ.30) લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વડવાજડીમાં જ રહેતા તેના બનેવી પ્રદીપસિંહ પ્રતાપસિંહ પરમાર અને તેના ભાઇ બળવંતસિંહ પરમારના નામ આપ્યા હતા. વિક્મસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ મહિના પૂર્વે પ્રદીપસિંહ પરમારની સાથે ભાગીદારીમાં મેટોડામાં હરસિદ્ધિ હોટેલ શરૂ કરી હતી. હોટેલમાં જગ્યા પ્રદીપસિંહની હતી જ્યારે વિક્રમસિંહે રૂ.5 લાખનું રોકાણ કર્યું હતું. હોટેલનો ધંધો બરોબર નહીં ચાલતા વિક્રમસિંહે અઠવાડિયા પૂર્વે ભાગ છૂટો કરવાનું કહેતા પ્રદીપસિંહે ‘તને ભાગ દેવો નથી, તું ગામ મૂકીને જતો રહેજે, હોટેલ પર આવતો નહીં નહીંતર જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી.

મંગળવારે રાત્રે પ્રદીપસિંહે ફોન કરીને વિક્રમસિંહને કહ્યું હતું કે, તું હોટેલ આવ આપણે હિસાબ કરી નાખીએ, જેથી વિક્રમસિંહ હોટેલ નજીકની શેરી પાસે પહોંચતા જ બંનેએ હુમલો કર્યો હતો. ત્યારબાદ પોતે મિત્રની કારમાં રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *